Top

News

ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અભિયાન

 

આપણી જીવનશૈલીના કારણે આજે વિશ્વ, ગ્લોબલ વોર્મિંગ તેમજ અન્ય પર્યાવરણીય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાત બને છે, જેના માટે આપણી જીવનશૈલીમાં પરિવર્તન કરવું જરૂરી છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા, ગુજરાત ઇકોલોજી કમિશન(જીઇસી) દ્વારા પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી લોકો આપનાવે તે માટે રાજ્યવ્યાપી અભિયાનનું ઉદઘાટન 5 માર્ચ, 2017ના રોજ દેથળી ગામ(તા. વાવ, જિ. બનાસકાંઠા) ખાતે કરવામાં આવ્યું.

આ અભિયાનનું ઉદઘાટન માન. મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી (પર્યાવરણ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, તબીબી શિક્ષણ(સ્વતંત્ર હવાલો) અને શહેરી વિકાસ), ગુજરાત સરકારના વરદ હસ્તે કરાયું. આ સમારોહમાં શ્રી અરવિંદ અગ્રવાલ(આઇ.એ.એસ), અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ શ્રી એસ. કે. ચતુર્વેદી(આઇ.એફ.એસ), અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ સાથોસાથ રાજ્ય સરકારના અન્ય વિભાગના અધિકારીઓએ પણ હાજરી આપી.

આ અભિયાનનું અમલીકરણ ગુજરાત રાજ્યના તમામ 285 તાલુકાઓના 340 ગામોમાં આગામી માર્ચ માસમાં 20 સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કરવામાં આવનાર છે. આ અભિયાન દ્વારા લગભગ 10000થી પણ વધુ લોકોને પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અપનાવવા તથા અન્ય લોકોને આવી જીવનશૈલી અપનાવવા માટે તાલીમ આપવામાં આવનાર છે. આ ઉપરાંત આ અભિયાનની સાથે-સાથે જીઇસી દ્વારા માન. મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીના સૂચનને અનુસરીને આગામી એક માસ દરમિયાન ફેસબુક, બ્લોગ તથા ટ્વિટર જેવા સોશિયલ મિડીયાના માધ્યમથી પણ પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી જીવવા માટેનું મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવનાર છે.

ઉદઘાટન સમારોહમાં ચાર હજારથી વધુ લોકોએ ભાગ લીધો અને પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અપનાવવાના શપથ લીધા. આ કાર્યક્રમમાં જીઇસીએ પર્યાવરણના સંરક્ષણ અને લોકોના વિકાસ માટે કરેલા પ્રયત્નોની પ્રેરણારૂપ સાફલ્યગાથાઓની પુસ્તિકા “જળ એ જ જીવન”નું વિમોચન કરવામાં આવ્યું સાથોસાથ કાંઠા વિસ્તારના લોકો દરિયા અને દરિયાકાંઠાના સંરક્ષણ અંગે જાગૃત થાય તેમજ પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અપનાવે તે માટે જીઇસી દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ “આપણો દરિયો, આપણું જીવન”નું પણ વિમોચન કરવામાં આવ્યું.

 
ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અભિયાન
ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અભિયાન  ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અભિયાન